ગુરુવાર, 18 એપ્રિલ, 2024

ઈતિહાસનો એક બુધ્ધિશાળી ઘોડો જેણે માલિકના મોતનો બદલો લીધો


 નમસ્કાર ,

ભારતીય ઈતિહાસ એવા ઉદાહરણોથી ભરેલો છે કે માનવીય સબંધો તો ઠીક પરંતુ માણસનો પ્રાણી સાથેનો સબંધ જોઈ કોઈની પણ આંખ પહોળી થઈ જાય , આપણે મહારાણા ને ચેતક તથા માત્રાવાળા અને સિંહ ની મૈત્રીની વાતથી તો વાકેફ જ છીએ પણ આજે ઇતિહાસના એ વીર અને તીવ્ર બુધ્ધિશાળી ઘોડાની વાત કરવી છે જેણે એના માલિકના મોતનો બદલો લીધો હતો , હા વાત છે શુભ્રક નામના આ ઘોડાની ....

દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશના પ્રથમ શાસક કુતુબુદ્દીન એબકનું દોડતા ઘોડા પરથી પડી જવાને કારણે મૃત્યુ થયું હતું.

 પરંતુ શું તે ખરેખર શક્ય છે કે 11 વર્ષની ઉંમરે પહેલીવાર ઘોડા પર સવારી કરનાર અને ઘોડા પર બેસીને અસંખ્ય યુદ્ધો લડનાર સેનાપતિ દોડતા ઘોડા પરથી પડીને મૃત્યુ પામે?

સાચો ઇતિહાસ આ પ્રમાણે છે ..

જ્યારે કુતુબુદ્દીન ઐબકે રાજપુતાનાને લૂંટી લીધું ત્યારે તેણે મેવાડના રાજાને મારી નાખ્યો અને રાજકુમાર કરણ સિંહને પકડી લીધો. લૂંટાયેલી સંપત્તિ અને રાજકુમારની સાથે, તે રાજકુમારનો ઘોડો *"..શુભ્રક.."* પણ લાહોર લઈ ગયો.લાહોરમાં કરણસિંહે ભાગવાની કોશિશ કરી પરંતુ પકડાઈ ગયા , કુતુબુદ્દીન  ઐબકે તેમનું માથું કાપવાનો આદેશ કર્યો અને કપાયેલા માથાને પણ અપમાનિત કરવા તે માથાનો દડાની જેમ ઉપયોગ કરી પગથી  લાત મારી પોલો રમવાનો આદેશ આપ્યો .

માથું કાપવાવાળો કુતુબુદ્દીન જ્યારે શુભ્રક પર બેસી ત્યાં પહોંચ્યો ત્યારે પોતાના માલિકનું કપાયેલું મસ્તક જોઈ શુભ્રક બેકાબૂ થઈને કૂદવા લાગ્યો ને એ સમયે કુતુબુદ્દીન નીચે પડી ગયો ,ગુસ્સે થયેલા શુભ્રકે કુતુબુદ્દીનની છાતી પર અને માથા ઉપર પ્રહાર કર્યો ને એ એટલો તેજ હતો કે સૈનિકો કંઈ સમજે એ પહેલા તો કુતુબુદ્દીનના રામ રમી ગયા હતા .ત્યાં ઉપસ્થિત સૌ કોઈ આ દૃશ્ય જોઈ સ્તબ્ધ હતા, લોકોમાં દોડધામ થઇ ગઇ અને એનો લાભ લઈ રાજકુમાર ઘોડા પર બેસી ત્યાંથી ભાગવા લાગ્યા અને ત્યાંથી શુભ્રકે  શરૂ કરી તેના જીવનની સૌથી મુશ્કેલ અને લાંબી દોડ, લગભગ સતત ત્રણ દિવસ સુધી સતત દોડ્યા છી તે મેવાડના દરવાજે પહોંચ્યો ત્યારે જ ઉભો રહ્યો, રાજકુમારે તેના પરથી ઉતરી આ વીર ઘોડાના મુખ પર પ્રેમથી હાથ ફેરવ્યો પણ ઘોડો તો મૂર્તિની માફક સ્થિર થઈ ગયો હતો , અડતાંની સાથે જ તે જમીન પર પટકાઈ ગયો આ જોઈ રાજકુમાર સ્તબ્ધ થઈ ગયો .

શુભ્રક તેના માલિકને સહી સલામત લઈને આવ્યો હતો અને મરતા પહેલા તેમને સુરક્ષિત તેમના રાજ્યના પહોંચાડી દીધા હતા , આપણે ચેતક વિશે જાણીએ છીએ પણ શુભ્રક તો વફાદારીથી પણ ચડિયાતો છે ,આપણી આધુનિક શિક્ષણ પ્રણાલીમાં આવા તથ્યો ક્યારેય અભ્યાસક્રમનો ભાગ બનતા નથી.  આપણામાંથી મોટાભાગના લોકોએ આ નામ સાંભળ્યું પણ નથી. અને આ નામ ઇતિહાસમાં દફન થઈને રહી ગયું. 

આપણો ઈતિહાસ આવા અનેક ઉદાહરણો થી ભરેલો છે જેને આજે વિશ્વ કદાચ સત્ય પણ ન માની શકે .આપના સંતાનોને પણ શુભ્રકની આ વાત ચોક્કસ જણાવજો એવી પ્રાર્થના ! 

 

મંગળવાર, 16 એપ્રિલ, 2024

પોતાના માણસો શોધવા

નમસ્કાર મિત્રો , 
 રાષ્ટ્રહિત સર્વોપરી
 ઘણા સમયથી લખવાનું બંધ હતું. આજે એક વિચાર આપ સૌને સમક્ષ મૂકી રહ્યો છું આશા છે કે મારા મિત્રો અને શુભેચ્છકો ને ગમશે. જીવનમાં આપણે ઘણી ભૂલો કરીએ છીએ પરંતુ જે ભૂલો માણસોને ઓળખવામાં કરીએ છીએ તેનું નુકસાન સૌથી વધારે હોય છે. મહાન નાટ્યકાર અને નવલકથાકાર સેક્સપીયરે આ બાબતનો બખૂબી ઉપયોગ તેની નવલકથાઓ અને નાટકોમાં કર્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિને સામ, દામ ,ભેદ કે દંડથી ખતમ કરી શકાતો નથી ત્યારે તેનો કોઈ અંગત વ્યક્તિ જ તેના સર્વનાશનું કારણ બને છે. જુલીયસ સીઝર નામના નાટકમાં જ્યારે મહાન દેશભક્ત અને લીડર સીઝરને તેના દુશ્મનો ખતમ કરી શકતા નથી ત્યારે તેનો એક અંગત મિત્ર આ કામ કરે છે , અને જ્યારે તેના દુશ્મનો તેના પર ખંજરનો વાર કરતા હોય છે તે દરમિયાન તેનો સૌથી નજીકનો મિત્ર પણ ખંજરનો વાર કરે છે ત્યારે સીઝર બોલે છે મિત્ર... બ્રૂટ્સ તું પણ ! તો પછી આના કરતા તો મૃત્યુ જ ભલું !! એના માટે મૃત્યુ ને ખંજરના ઘાત કરતા પણ ભયાવહ અને દુઃખદ મિત્રનો વિશ્વાસ પર કરેલો ઘાત હતો ..! આપણો ઇતિહાસ પણ આવા ગદ્દારોથી ભરેલો છે કે જ્યારે આપણા યોગ્ય રાજાઓએ અયોગ્ય વ્યક્તિઓ પર વિશ્વાસ મૂક્યો અને તેનું પરિણામ સમગ્ર રાજ્યનું વિનાશ અને પતન આવ્યું. દુનિયાનું સૌથી મુશ્કેલ કામ છે આપણામાંથી આપણાને શોધવા . માણસની આખી જિંદગી નીકળી જાય છે તેમ છતાં તે પોતાના માણસોને ઓળખી શકતો નથી , અને પોતાનું અહિત ઈચ્છતા સાપોને આખા જીવન દૂધ પીવડાવી પોષતો રહે છે, અને જ્યાં સુધી સત્ય સમજાય ત્યાં સુધી વાર્તા પૂર્ણ થઈ ગઈ હોય છે તો યક્ષ પ્રશ્ન એ છે કે પોતાના માણસોને ઓળખવા કેવી રીતે ??? તેનો જે જવાબ મને મળ્યો છે એ એ છે કે વ્યક્તિના વાણી , વર્તન અને કર્મની સમાનતા છે કે નહીં તેની પુષ્ટિ પરથી ! આશા રાખું કે આ વિચાર આપને ગમ્યો હશે અને જીવનમાં ક્યાંક ઉપયોગી થઈ પડશે.